પુણ્યસલીલા માં નર્મદાના પાવન પુલીને
“તપોવન સંકુલ”માં સંસ્કૃત અને સંસ્કૃતિનું સંવર્ધન અને સંરક્ષણ કરતી ૧૪૦ વર્ષ પુરાતન
“શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા” નવપલ્લિત થઇ કાર્યરત છે. પાઠશાળામાં પ્રથમા
(SSC), મધ્યમા
(HSC), શાસ્ત્રી
(B.A.), આચાર્ય(M.A.)
સુધીના
સરકાર માન્ય અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
સંલગ્ન અભ્યાસક્રમો ચાલે છે, જેમાં
વેદ, વ્યાકરણ, સાહિત્ય, પુરાણ, જ્યોતિષ, ન્યાય, મીમાંસા, કર્મકાંડ જેવા શાસ્ત્રીય
વિષયોનું સંનિષ્ઠ
અધ્યાપકો
દ્વારા પદ્ધતિસર અધ્યયન કરાવવામાં આવે છે. તદુપરાંત જ્યોતિષ, યોગશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, મંદિર વ્યવસ્થાપન જેવા ટૂંકા
ગાળાના વ્યવસાયલક્ષી યુનિવર્સિટી માન્ય અભ્યાસક્રમો પણ
ચલાવવામાં આવે છે.
ઋષિકુમારોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને જાગૃત
કરવા સંસ્થા દ્વારા કાલિદાસ જયંતિ, શિક્ષકદિન, વિશ્વયોગ દિવસ, સંસ્કૃત સપ્તાહ, સરસ્વતી પૂજન, વિવેકાનંદ જયંતિ, વકતૃત્વ સ્પર્ધા,
શ્લોકાન્ત્યાક્ષરી, વાર્ષિકોત્સવ જ્ઞાનયજ્ઞો જેવા
શૈક્ષણિક, સાંસ્કૃતિક
તથા ધાર્મિક કાર્યક્રમોનું
આયોજન કરવામાં આવે છે.
ઋષિકુમારોના સર્વાંગી વિકાસ માટે સવારે ૫
થી રાત્રે ૧૦ વાગ્યા સુધીની મનોવૈજ્ઞાનિક અને શાસ્ત્રીય દિનચર્યાનું આયોજન
કરેલ છે, જેમાં
વેદાધ્યયન, સંધ્યા, સ્તોત્ર, વૈશ્વદેવ,
અધ્યયન-અધ્યાપન, સંગીત, રમત-ગમતો વિગેરેનો સમાવેશ થાય
છે. ઋષિકુમારો કથાક્ષેત્રે
કારકિર્દી
બનાવે એવાં હેતુથી નિત્ય શ્રીમદ્દ ભાગવત પારાયણ અને પ્રતિવર્ષ તજજ્ઞ વકતાઓ
દ્વારા
જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવે છે.
વેદભાષા એ વેબભાષા બને અને સંસ્કૃત પાઠશાળાનો ઋષિકુમાર એમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તે હેતુથી અંગ્રેજી તેમજ કોમ્પ્યુટરના વિશિષ્ટ વર્ગો ચાલે છે. સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ધોરણ-૧૦ અને ૧૨નું ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરે છે. યુનિવર્સિટી કક્ષાએ પણ વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ સુવર્ણપદકો પ્રાપ્ત કરે છે.
શ્રી નર્મદા સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રવેશ પ્રાપ્ત કરનાર ઋષિકુમારને આવાસ, ભોજન, શિક્ષણ જેવી તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા નિ:શુલ્ક આપવામાં આવે છે.